વચનામૃત ગઢડા મધ્યનું - ૨

સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ રેશમના ચાકળા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.

       પછી શ્રીજીમહારાજે કહ્યું જે કીર્તન રાખો; અમે વાત કરીએ છીએ, એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય ને નારદ-સનકાદિક જેવા સાધુ થાવું હોય તેને એમ વિચાર કરવો જે આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો-અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યાં છે અને બાહેર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો-અંતઃકરણને પોતાનું રૂપ માને છે પણ વસ્તુગતે જીવ ઇન્દ્રિયો-અંતઃકરણથી નોખો છે અને પંચવિષય છે તે અંતઃકરણ થકી નોખા છે પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિષે પંચવિષયની એકતા જણાય છે અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે પણ અંતઃકરણમાંથી નથી થાતી, જેમ અતિશે તડકો હોય અથવા ટાઢ્ય હોય તેનો પ્રથમ બહાર ઇન્દ્રિયોને સંબંધ થાય છે પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માંહીલી કોરે તેનો પ્રવેશ થાય છે પણ એની ઉત્પત્તિ માંહીલી કોરેથી નથી; એ તો બહારથી ઉત્પન્ન થઈને માંહીલી કોરે પ્રવેશ કરે છે તેમ પંચવિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઊપજતા નથી; એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે, માટે જેમ બહાર ગૂમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહિ, અને જેમ ક્ષુધા-પિપાસા લાગી હોય તે ખાધે-પીધે જ નિવૃત્તિ થાય પણ અન્નજળની વાત કર્યે નિવૃત્તિ ન થાય તેમ પંચવિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય તે ઔષધની રીત એમ છે જે, જ્યારે ત્વચાને સ્ત્રીઆદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે થઈને અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે ને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી અને જે જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા હશે તે પણ પૂર્વજન્મને વિષે બહારથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે, ત્વચાએ કરીને સ્ત્રીઆદિક પદાર્થનો સ્પર્શ તજવો ને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું અને જિહ્‌વાએ કરીને તેની વાત ન કરવી અને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો, એવી રીતે પંચઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દૃઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ માંહીલી કોરે પ્રવેશ કરે નહિ, જેમ કૂવામાં પાણીની સેર્ય આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય, અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે તેમ પ્રથમથી જે ઇન્દ્રિય દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાણા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા તે આત્મવિચાર એમ કરવો જે, હું આત્મા છું ને મારે વિષે ઇન્દ્રિયો-અંતઃકરણનો સંબંધ જ નથી એમ દૃઢ વિચાર કરીને અને તે ચૈતન્યને વિષે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મસુખ વતે કરીને પૂર્ણ રહેવું, જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાણો હોય ત્યારે જે બહારથી પોતામાં સેર્યો આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે પણ માંહીલી કોરે તે સેર્યના પાણીનો પ્રવેશ કરવા દે નહિ અને જો ઉલેચાઈને ઠાલો થાય તો સેર્યનું પાણી બહારથી માંહી આવે એવી રીતે આત્મસુખે કરીને માંહીલી કોરે પૂર્ણ રહેવું અને બહાર પંચઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દૃઢ ઉપાય છે, પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થાતો નથી, માટે આ વિચાર દૃઢ કરીને રાખજ્યો. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૧૩૫)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય ને મુક્ત થવું હોય તેને ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો અને આત્મસુખ વતે પૂર્ણ રહેવું ને પોતાને બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ માનીને તે ચૈતન્યને વિષે અમારી મૂર્તિ ધારવી, તો ઇન્દ્રિયો દ્વારે થઈને અંતઃકરણમાં આવેલા વિષય નિવૃત્ત થાય છે ને તેનું કલ્યાણ થાય છે; આમાં નારદ, સનકાદિક નામે પોતાના મુક્તોને કહ્યા છે. (૧) બાબત છે. ।।૨।।